વિશ્વભરમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી

ભારત સહિતના વિશ્વભરમાં શાનદાર આતશબાજી અને રોશની સાથે નવા વર્ષ 2025નું ધામધૂમથી સ્વાગત કરાયું હતું. સિડનીથી લઇને રશિયાના વ્લાદિવોસ્તોક સુધી વિશ્વભર શહેરોમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે હજારો લોકો એકઠા થયા હતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ નવા ઉજવણી કરનાર વિશ્વનું પ્રથમ મોટું શહેર હતું. આ પછી ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષના આગમન સાથે લોકો જશ્નમાં ડુબી ગયા હતા.

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને દરેકને આપણા સમાજ અને રાષ્ટ્રને એકતા અને શ્રેષ્ઠતાના માર્ગે આગળ લઈ જવાનો અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે ચાલો આપણે નવા વર્ષનું આનંદ અને ઉત્સાહ સાથે સ્વાગત કરીએ તથા આપણા સમાજ અને રાષ્ટ્રને એકતા અને શ્રેષ્ઠતાના માર્ગે આગળ લઈ જઈએ. આ પ્રસંગ આપણી મહત્ત્વકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નવા જોશ સાથે આગળ વધવાની તક પૂરી પાડે છે

નવા વર્ષને આવકારવા માટે સિડની અને ઓકલેન્ડમાં અદભૂત આતશબાજી જોવા મળી હતી. સિડની હાર્બર બ્રિજ અને ન્યુઝીલેન્ડના સૌથી ઊંચા બિલ્ડિંગ સ્કાય ટાવરમાં આતબાજીથી આકાશ રોશની ઝળહળી ઉઠ્યું હતું. દસ લાખથી વધુ વધુ ઓસ્ટ્રેલિયનો અને અન્ય લોકો આ ઉજવણી માટે સિડની હાર્બર ખાતે એકત્ર થયા હતા. બ્રિટિશ પોપ સ્ટાર રોબી વિલિયમ્સે ઉજવણીની આગેવાની લીધી હતી.

ઓસ્ટ્રેલિયા, કૂક આઇલેન્ડ્સ, ફિજી, કિરીબાતી, નૌરુ, ન્યૂ કેલેડોનિયા, ન્યૂઝીલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, સમોઆ, સોલોમન આઇલેન્ડ્સ, ટોંગા સહિતના સાઉથ પેસિફિક ઓશનના દેશોમાં સૌ પ્રથમ નવા વર્ષનો પ્રારંભ થયો હતો. અમેરિકામાં ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેરમાં નવા વર્ષનું આગમન થાય તેના 18 કલાક પહેલા ન્યૂઝીલેન્ડમાં ઉજવણી ચાલુ થઈ ગઈ હતી.

જાપાનમાં નવા વર્ષના આગમન પહેલા ધાર્મિક સ્થળો અને ઘરોની સફાઈ કરવામાં આવી હતી. જાપાનનું 2025ના સ્નેક વર્ષ તરીકે મનાવામાં આવશે. સ્નેક થીમની પ્રોડક્ટનું વેચાણ ચાલુ થયું હતું. દક્ષિણ કોરિયામાં મુઆન ખાતે વિમાન દુર્ઘટનાને કારણે મોટાભાગના શહેરોમાં ઉજવણી રદ કરાઈ હતી અથવા તેમાં ઘટાડો કરાયો હતો. થાઈલેન્ડના બેંગકોકમાં શોપિંગ મોલ્સમાં લાઈવ મ્યુઝિકલ એક્ટ્સ અને આતબાજી કરાઈ હતી. ઈન્ડોનેશિયાના જકાર્તામાં આશરે 800 ડ્રોન સાથે આતશબાજીથી નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું.

ચીનના વડા શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન વચ્ચેના નવા વર્ષની શુભેચ્છાઓની આપલે કરી હતી. જિનપિંગે તાઇવાનને સંબોધન કરીને હુંકાર કર્યો હતો કે ચીન અને તાઇવાનના જોડાણને કોઈ ક્યારેય તોડી શકશે નહીં. વિવિધ સંઘર્ષોને કારણે મધ્ય પૂર્વના દેશોમાં નવા વર્ષની ઉજવણી ફિક્કી રહી હતી. દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી ઈમારત બુર્જ ખલીફા ખાતે હજારો લોકો એકઠા થયા હતાં.

રોમના પરંપરાગત નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઉત્સવનું માહોલ હતો. આની સાથે પોપ ફ્રાન્સિસના પવિત્ર વર્ષની શરૂઆત થઈ રહી છે. જર્મનનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે દેશની નબળી અર્થવ્યવસ્થા અને રાષ્ટ્રને આંચકો આપનાર જીવલેણ ક્રિસમસ માર્કેટ હુમલા વચ્ચે નાગરિકોને એકજૂથ થવાની અપીલ કરી હતી. પેરિસમાં પણ નવા વર્ષનું કાઉન્ટડાઉન ચાલુ થયું હતું. ચેમ્પ એલિસિસ ખાતે ભવ્ય ઉજવણીની તૈયારી ચાલુ થઈ હતી.બ્રિટનના લંડનમાં થેમ્સ નદીના કિનારે ભવ્ય આતશબાજી પ્રદર્શન અને બુધવારે શહેરના કેન્દ્રમાં 10,000 કલાકારોને દર્શાવતી પરેડ સાથે નવા વર્ષની તૈયારી ચાલુ કરાઈ હતી. જોકે સ્ટોર્મને કારણે એડિનબર્ગ, સ્કોટલેન્ડમાં હોગમનેય સ્ટ્રીટ પાર્ટી અને કેસલ શો રદ કરાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *